Anand No Garbo Gujarati Lyrics
સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે
શરણેય ત્રંબક્યે ગૌરી નારાયણી નમોસ્તુતે
નારાયણી નમોસ્તુતે

આઈ આજ મુને આનંદ વદ્યો અતિ ઘણો માં
ગાવા ગરબા છંદ, બહુચર માત તણો માં…૧

અલવે આણ પંપાળ, અપેક્ષા આણી માં
છો ઈચ્છા પ્રતિપાણ, દ્યો અમૃતવાણી માં…૨

સ્વર્ગ મૃત્યુ પાતાળ, વાસ સકળતારો માં
બાળ કરી સંભાળ, કર ઝાલો મ્હારો માં…૩

તોતળા મુખ તન, તો તો તોય કહે માં
અર્ભગ માગે અન્ન, નિજ માતા મને લ્હે માં…૪

નહીં સવ્ય અપસવ્ય, કહી કાંઈ જાણું માં
કવિ કહાવા કવ્ય, મન મિથ્યા આણું માં…૫

કુલજ કુપાત્ર કુશીલ, કર્મ અકર્મ ભર્યો માં
મુરખ મન વહેમીન, રસ રટવાં વિચર્યો માં…૬

મુઢ પ્રમાણે મત્ય, મન મિથ્યા માપી માં
કોણ લહે ઉત્પત્ય વિશ્વ રહ્યાં વ્યાપી માં…૭

પરાક્રમ પર્મ પ્રચંડ, પ્રબળ ન પળ પ્રીંછુ માં
પૂરણ પ્રગટ અખંડ, યજ્ઞ થકો ઈચ્છુ માં…૮

અર્ણવ ઓછે પાત્ર, અકલ કરી આણું માં
પામુ નહી પળ માત્ર, મન જાણું નાણુ માં…૯

રસના યુગ્મ હજાર, તે રટતાં હાર્યો માં
ઈશે અંશ લગાર, લઈ મનમથ માર્યો માં…૧૦

મારકંડ મુનિરાય, મુખ માહત્મ ભાખ્યું માં
જૈમિનિ ઋષિ જેવાય, ઉર અંતર રાખ્યું માં…૧૧

અણગણ ગુણ ગતિ ગોત, ખેલ ખરો ન્યારો માં
માત જાગતિ જ્યોત, જળહળ તો પારો માં…૧૨

જશ તૃણવત ગુણ ગાન, કહુ ઊડળ ગુડળ માં
ભરવા બુદ્ધિ બે હાથ, ઓદ્યામાં ઉંડળ માં…૧૩

પાગ નમાવી શીશ, કહું ઘેલું ગાંડુ માં
માત ન ધરશો રીસ, છો ખુલ્લું ખાંડુ માં…૧૪

આદ્ય નિરંજન એક, અલખ અકળ રાણી માં
તુજ થી અવર અનેક, વિસ્તરતાં જાણી માં…૧૫
શક્તિ સરજવા શ્રેષ્ઠ સહેજ સ્વભાવ સ્વલ્પ માં
કંચિત કરૂણા દ્રષ્ટી, કૃતકૃત કોટી કલ્પ માં…૧૬

માતંગી મન મુક્ત, રમવા મન કીધું માં
જોવા જુક્ત અજુક્ત, રચિયાં ચૌદ ભુવન માં…૧૭

નીર ગગન ભૂ તેજ, સેજ કરી નિરમ્યાં માં
મારુત વશ જે જે, ભાંડ કરી ભરમ્યાં માં…૧૮

તતક્ષણ તન થી દેહ, ત્રણ કરી પેદા માં
ભવ કૃત કરતા જેહ, સરજે પાળે છેદા માં…૧૯

પ્રથમ કર્યા ઉચ્ચાર, વેદ ચાર વાયક માં
ધર્મ સમસ્ત પ્રકાર, ભૂ ભણવા લાયક માં…૨૦
પ્રગટી પંચમહાભુત, અવર સર્વ જે કો માં
શક્તિ સર્વ સંયુક્ત, શક્તિ વિના નહિ કો માં…૨૧

મૂળ મહીં મંડાળ, મહા માહેશ્વ્રરી માં
યુગ સચરાચર જાણ, જય વિશ્વેશ્વરી માં…૨૨

જળ મધ્યે જળશાઈ, પોઢ્યા જગજીવન માં
બેઠા અંતરિક્ષ આઈ, ખોળે રાખી તન માં…૨૩

વ્યોમ વિમાન ની વાટ, ઠાઠ ઠઠ્યો ઓછો માં
ઘટ ઘટ સરખો ઘાટ, કાચ બન્યો કાચો માં…૨૪

જનમ જનમ અવતાર, આકારે જાણી માં
નિર્મિત હિત નર નાર, નખ શિખ નારાયણી માં…૨૫

પનંગ પશુ પંખી, પૃથક પૃથક પ્રાણી માં
યુગ યુગ માહે ઝંખી, રૂપે રૂદ્રાણી માં…૨૬

ચક્ષુ મધ્ય ચૈતન્ય, વચ આસન ટીકી માં
જણાવવા જન મન, મધ્યમાત કીકી માં…૨૭

અચર ચર ત્રણ ચરણ વાયુ, ચર વારી ચરતાં માં
ઉદર ઉદર ભરિ આયુ, તું ભવની ભરતાં માં…૨૮

રજો તમોને સત્વ, ત્રિગુણાત્મક ત્રાતા માં
ત્રિભુવન તારણ તત્વ, જગત તણી જાતા માં…૨૯

જ્યાં જેમ ત્યાં તેમ રૂપ, તેજ ધર્યું સઘળે માં
કોટી કરે જપ ધુપ, કોઈ તુજને ન કળે માં…૩૦

મેરૂ શિખર મહિ માહ્ય, ધોળાગઢ પાસે માં
બાળી બહ્ચર માય, આદ્ય વસે વાસો માં…૩૧

ન લહે બ્રહ્મા ભેદ, ગૃહય ગતિ ત્હારી માં
વાણી વખાણી વેદ, શી મતિ મ્હારી માં…૩૨

વિષ્ણુ વિમાસી મન, ધન્ય એમ ઉચ્ચરિયા માં
અવર ન તુજ થી અન્ય, બાળી બહુચરિયા માં…૩૩

માને મન માહેશ, માત મયા કીધે માં
જાણે સુરપતિ શેષ, સહુ ત્હારે લીધે માં…૩૪

સહસ્ત્ર ફણીધર શેષ, શક્તિ સબળ સાધી માં
નામ ધર્યુ નાગેશ, કીર્તિ તો વ્યાધી માં…૩૫

મચ્છ; કચ્છ, વારાહ, નૃસિંહ વામન થઈ માં
એ અવતારો તારાય, તે તુજ માત્રમહી માં…૩૬

પરશુરામ શ્રીરામ, રામ બલિ બળ જેહ માં
બુદ્ધ કલકી નામ, દશ વિધ ધારી દેહ માં…૩૭

મધ્ય મથુરાથી બાળ, ગોકુળ તો પહોંચ્યું માં
તેં નાખી મોહ જાળ, બીજું કોઈ ન્હોતું માં…૩૮

કૃષ્ણ કૃષ્ણ અવતાર, કળી કારણ કીધું માં
ભક્તિ મુક્તિ દાતાર, થઈ દર્શન દીધું માં…૩૯

વ્યંઢળ નપુંસક નાર નહિ, પુરુષા પાંખ્યું માં
એ આશ્રર્ય સંસાર, શ્રૃતિ સ્મૃતિએ ભાખ્યાં માં…૪૦

જાણી વ્યંઢળ કાય, જગમાં અણજુગતી માં
માતા મોટે મહિમાય, ઈન્દ્ર કથે યુક્તિ માં…૪૧

મેરામણ મથ મેર, કીધો રવૈયો સ્થિર માં
આકર્ષણ એક તેર, વાસુકિના નેતર માં…૪૨

સુર સંકટ હરનાર સેવકને સન્મુખ માં
અવિગત અગમ અપાર, આનંદા અધિસુખ માં…૪૩

સનકાદિક મુનિ સાથ, સેવી વિધ વિધેં માં
આરાધી નવનાથ; ચોરાશી સિધ્ધે માં…૪૪

આવી અયોધ્યા ઈશ, નામી શીશ વળ્યા માં
દશમસ્તક ભુજ વીશ, છેદી સીતા મળ્યા માં…૪૫

નૃપ ભીમકની કુમારી, તમ પૂજ્યે પામી માં
રૂક્ષમણિ રમણ મોરાર, મનગમતો સ્વામી માં …૪૬

રાખ્યા પાંડુ કુમાર, છાના સ્ત્રી સંગે માં
સંવત્સર એકબાર, વામ્યા તમ અંગે માં…૪૭

બાંધ્યો તનપ્રદ્યુમન, છુટૅ નહી કોઈથી માં
સમરિપુરી શંખલ ગયો કારાગૃહેથી માં…૪૮

વેદ પુરાણ પ્રમાણ, શાસ્ત્ર સકળ સાંખી માં
શક્તિ સકળ મંડાણ, સર્વ રહ્યાં રાખી માં…૪૯

જે જે જગ્યા જોઈ, ત્યાં ત્યાં તું તેવી માં
સમ વિભ્રમ મતિ ખોઈ, કહી ન શકું કેવી માં…૫૦

ભૂત ભવિષ્ય વર્તમાન, ભગવતિ તું ભવની માં
આધ્ય મધ્ય અવસાન, આકાશે અવની માં…૫૧

તિમિર હરણ શશિશૂર, તે તારો ધોખો માં
અમિ અગ્નિ ભરપુર, થઈ પોખો શોખો માં…૫૨

ષટ ઋતુ રસમાસ, દ્વાદશ પ્રતિબંઘે માં
અંધકાર ઉજાસ, અનુક્રમ અનુસંઘે માં…૫૩

ધરતી તું ધન ધાન્ય, ધ્યાન ધરે નાવે માં
પાલન પ્રજા પ્રજન્ય, અણ ચિંતવે આવે માં…૫૪

સકળ શ્રેષ્ઠ સુખદાઈ, પચ દધિ ધૃતમાંહે માં
સર્વે રસ સરસાઈ, તુજ વિણ નહિ કાંઈ માં…૫૫

સુખ દુઃખ બે સંસાર, તારા ઉપજાવ્યાં માં
બુદ્ધિ બળને બલીહારી, ઘણું ડાહ્યા વાહ્યા માં…૫૬

ક્ષુદ્યા તૃષા નિદ્રાય, લઘુ યૌવન વૃધ્ધા માં
શાંતિ શૌર્ય ક્ષમાય; તું સઘળે શ્રધ્ધા માં…૫૭

કામ ક્રોધ મોહ લોભ, મદ મત્સર મમતા માં
તૃષ્ણા સ્થિર થઇ ક્ષોભ શાંતિ ને ક્ષમતા માં…૫૮

ધર્મ અર્થ ને કામ; મોક્ષ તું મંમાયા માં
વિશ્વતણો વિશ્રામ; ઉર અંતર છાયા માં…૫૯

ઉદય ઉદારણ અસ્ત, આદ્ય અનાદિથી માં
ભાષા ભૂર સમસ્ત, વાક્ય વિવાદેની માં…૬૦

હર્ષ હાસ્ય ઉપહાસ્ય, કાવ્ય કવિત વિતતું માં
ભાવ ભેદ નિજ ભાસ્ય, ભ્રાન્ત ભલી ચિત્ત તું માં…૬૧

ગીત નૃત્ય વાજિંત્ર તાલ તાન માને માં
વાણી વિવિધ વિચિત્ર ગુણ અગણિત ગાને માં…૬૨

રતિરસ વિવિધ વિલાસ, આશા સકળ જગની માં
તન મન મધ્યે વાસ, મહમાયા મગની માં…૬૩

જાણે અજાણે જગત, બે બાઘા જાણે માં
જીવ સકળ આસક્ત, સહુ સરખું માણે માં…૬૪

વિવિધ ભોગ મરજાદ, જગ દાખ્યું ચાખ્યું માં
ગરથ સુણતાં તે સ્વાદ, પદ પોતે રાખ્યું માં…૬૫

જડ થડ શાખ પત્ર, પુષ્પ ફળે ફળતી માં
પરમાણું એક માત્ર, ઇતે વાસર ચળતી માં…૬૬

નિપટ અટપટી વાત, નામ કહું કોનુ માં
સરજી સાતે ઘાત, માત અધીક સોનુ માં…૬૭

રત્ન મણિ માણેક, નંગ મુકીયાં મુક્તા માં
આભા અધિક અટંક, અન્ય ન સંયુક્તા માં…૬૮

નીલ પિત આરક્ત, શ્યામ શ્વેત સરખી માં
ઉભય વ્યક્ત-અવ્યક્ત, જગતજને નિરખી માં…૬૯

નગજે અધિકુળ આઠ, હિમાચલ આઘે માં
પવન ગવન ઠઠિ ઠાઠ, તું રચીતા સાધે માં…૭૦

વાપી-કૂપ તળાવ, તું સરિતા સિંધુ માં
જળતારણ જેમ નાવ, ત્યમ તારણ બધું માં…૭૧

વનસ્પતિ ભાર અઢાર, ભૂ ઉપર ઉભાં માં
કૃત કૃત તું કિરતાર કોશ વિઘાં કુંભાં માં…૭૨

જડ ચેતન અભિધાન, અંશ અંશ ધારી માં
માનવી મોંટે માન એ કરણી તારી માં…૭૩

વર્ણ ચાર નિજ કર્મ, ધર્મ સહિત સ્થાપી માં
બે ને બાર અપર્મ, અનુચર વર આપી માં…૭૪

વાંડવ વન્હિ નિવાસ, મુખ માતા પોતે માં
તૃપ્તે તૃપ્તે ગ્રાસ, માત જગન્ન જ્યોતે માં…૭૫

લક્ષ ચોરાશી જન, સહુ તારા કીધાં માં
આણ્યો અસુરનો અંત, દંડ ભલા દીધા માં…૭૬

દુષ્ટ દમ્યાં કઈ વાર, દારૂણ દુઃખ દેતા માં
દૈત્ય કર્યા સંહાર, ભાગ યજ્ઞ લેતા માં…૭૭

સુદ્ધ કરણ સંસાર, કર ત્રિશુળ લીધું માં
ભૂમી તણો શિરભાર, હરવા મન કીધું માં…૭૮

બહુચર બુદ્ધિ ઉદાર, ખળ ખોળી ખાવા માં
સંત કરણ ભવ પાર, સાધ્ય કરે સ્વાહા માં…૭૯

અધમ ઉધારણહાર, આસન થી ઉઠી માં
રાખણ યુગ વ્યવહાર, બદ્ધ બાંધી મુઠી માં…૮૦

આણી મન આનંદ મા, માંડે પગલાં માં
તેજ કિરણ રવિચંદ, દે નાના ડગલાં માં…૮૧

ભર્યા કદમ બે ચાર, મદ માતી મદભર માં
મન માં કરી વિચાર, તેડાવ્યો અનુચર માં…૮૨

કુરકટ કરી આરોહ, કરૂણાકર ચાલી માં
નખ પંખીમય મેલ્યા પગ પૃથ્વી હાલી માં…૮૩

ઉડી ને આકાશ, થઈ અદ્ભુત આવ્યો માં
અધક્ષણમા એક શ્વાસ, અવનીતળ લાવ્યો માં…૮૪

પાપી કરણ નિપાત, પૃથ્વી પડ માંહે માં
ગોઠ્યું મન ગુજરાત, ભીલાં ભડ માંહે માં….૮૫

ભોળી ભવાની માય; ભાવ ભર્યા ભાલે માં
કીધી ઘણી કૃપાય, ચુંવાળે આળે માં…૮૬

નવખંડ ન્યારી નેટ, નજર વજર પેઠી માં
ત્રણે ગામ તરભેટ, ઠેઠ અડી બેઠી માં…૮૭

સેવક સારણ કાજ, શંખલપૂર છેડે માં
ઉઠ્યો એક આવાજ, દેડાણા નેડે માં…૮૮

આવ્યા શરણા શરણ, અતિ આનંદ ભર્યો માં
ઉદિત મુંદિત રવિ કિર્ણ, દશ દીશ યસ પ્રસર્યો માં…૮૯

સકળ સમૃદ્ધ સુખમાત, બેઠાં ચિત સ્થિર થઈ માં
વસુધા મધ્ય વિખ્યાત, વાત વાયુવિધ ગઈ માં…૯૦

જાણે સહુ જગ જોર, જગજનની જોખે માં
અધિક ઉડાડ્યો શોર, વાસ કરી ગોખે માં…૯૧

ચાર ખુંટ ચોખાણ, ચર્ચા એ ચાલી માં
જન જન પ્રતિમુખ વાણ, બહુચર બિરદાળી માં…૯૨

ઉદો ઉદો જય કાર, કીધો નવ ખંડે માં
મંગલ વર્ત્યા ચાર, ચૌદે બ્રહ્માંડે માં…૯૩

ગાજ્યા સાગર સાત, દુધે મેહ ઉઠ્યા માં
અધર્મ ધર્મ ઉત્પાત, સહુ કીધા જુઠ્ઠા માં…૯૪

હરખ્યા સુર નર નાર, મુખ જોઈ માતાનું માં
અવલોકી અનુરાગ, મુનિ મન સરખાનું માં…૯૫

નવગૃહ નમવા પાય પાગ્ય, પાગ પળી આવ્યા માં
ઉપર ઉતારવા કાજ, મણિમુક્તા લાવ્યા માં…૯૬

દશ દિશના દિગપાળ, દેખી દુઃખ વામ્યાં માં
જન્મ મરણ જંજાળ, જીતી સુખ પામ્યા માં…૯૭

ગુણ ગાંધર્વ યશ ગાન, નૃત્ય કરે રંભા માં
સ્વર સુણતાં તે કાન, ગતિ થઈ ગઈ સ્થંભા માં…૯૮

ગુણ નિધિ ગરબો જેહ, બહુચર માત કેરો માં
ધારે ધરીને દેહ, સફળ ફરે ફેરો માં….૯૯

પામે પદારથ પાંચ, શ્રવણે સાંભળતાં માં
ના આવે ઉન્હી આંચ, દાવાનળ બળતાં માં…૧૦૦

શસ્ત્ર ન ભેદે અંગ, આદ્યશક્તિ રાખે માં
નિત નિત નવલે રંગ શમ દમ કર્મ પાખે માં…૧૦૧

જળ જે અનધ અગાધ ઉતારે બેડે માં
ક્ષણ ક્ષણ નિશદિન પ્રાત, ભવ સંકટ ફેડે માં…૧૦૨

ભુત પ્રેત જાંબુક, વ્યંતર ડાકેણી માં
ના આવે આડી અચુક, શામાં શાકેણી માં…૧૦૩

ચરણ કરણ ગતિ ભંગ, ખંગ પુંગ વાળે માં
ગુંગ મુંગ મુખ અંગ, અબધ બધી ટાળે માં…૧૦૪

સેંણ વિહોણા નેણ, નેણા તું આપે માં
પુત્ર વિહોણાં કેણ, મેણાં તું કાપે માં…૧૦૫

કળી કલ્પતરૂ ઝાડ, જે જાણે તે ને માં
ભક્ત લડાવે લાડ, પાડ વિના કે ને માં…૧૦૬
પ્રકટ પુરૂષ પુરૂષાઈ, તું આલે પલમાં માં
ઠાલે ઘેર ઠકુરાઈ, દો દલ હલબલમાં માં…૧૦૭

નિર્ધન ને ધન પાત્ર તે, કરતાં તું છે માં
રોગ દોષ દુઃખ માત્ર, તું હરતાં તું છે માં…૧૦૮

હય ગજ રથ સુખપાલ, આલ વિના અજરે માં
બરદે બહુચર બાળ, ન્યાલ કરે નજરે માં…૧૦૯

ધર્મ ધ્વજા ધન ધાન્ય, ન ટળે ધામ થકી માં
મહિપત મુખ દે માન માના નામ થકી માં…૧૧૦

નર નારી ધરી દેહ, હેતે જે ગાશે માં
કુમતિ કર્મ કુત ખેહ, થઈ ઉડી જાશે માં…૧૧૧

ભગવતિ ગીત ચરિત્ર, જે સુણશે કાને માં
થઈ કુળ સહિત પવિત્ર, ચડશે વૈમાને માં…૧૧૨

તુંથી નથી કઈ વસ્ત, જેથી તું તરપુ માં
પૂરણ પ્રગટ પ્રશશ્ત, શ્રી ઉપમા અરર્પું માં…૧૧૩

વારં વાર પ્રણામ. કર જોડી કીજે માં
નિર્મળ નિશ્રય નામ, જનનીનુ લીજે માં…૧૧૪

નમો નમો જગ માત, સહસ્ત્ર નામ તારાં માં
માત તાત ને ભ્રાત, તું સર્વે મારા માં…૧૧૫

સંવત શતદશ સાત, નવ ફાલ્ગુન સુદે માં
તિથી તૃતિયા વિખ્યાત, શુભ વાસર બુધ્ધે માં…૧૧૬

રાજ નગર નિજ ધામ, પુરે નવિન મધ્યે માં
આઈ આદ્યવિશ્રામ, જાણે જગત મધ્યે માં…૧૧૭

કરત દુર્લભ સુર્લભ, રહું છું છેવાંડો માં
કર જોડી વલ્લભ, કહે ભટ્ટ મેવાડો માં…૧૧૮

કર જોડી વલ્લભ, કહે ભટ્ટ મેવાડો માં
કર જોડી સેવક કહે બહુચર તારો માં
કર જોડી સેવક કહે બહુચર તારો માં
બાળ કરી સંભાળ તમ ચરણે રાખો માં

આઈ આજ મુને આનંદ વદ્યો અતિ ઘણો માં
ગાવા ગરબા છંદ, બહુચર માત તણો માં
અલવે આણ પંપાળ, અપેક્ષા આણી માં
છો ઈચ્છા પ્રતિપાણ, દ્યો અમૃતવાણી માં

સ્વર્ગ મૃત્યુ પાતાળ, વાસ સકળતારો માં
બાળ કરી સંભાળ, કર ઝાલો મ્હારો માં
બાળ કરી સંભાળ તમ ચરણે રાખો માં
બાળ કરી સંભાળ તમ ચરણે રાખો માં
બાળ કરી સંભાળ તમ ચરણે રાખો માં